સુરત
1.11 કરોડનું કાપડ ખરીદીને દુબઇ ભાગવા જતો ઠગ વેપારી ઝડપાયો

14-09-2018 98
સુરત: માત્ર 5 મહિના અને 8 દિવસના ટૂંકા સમયગાળામાં રૂપિયા 1.11 કરોડ રૂપિયાની કિંમતનું કાપડ ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવી છેતરપિંડી કરનારા કાપડના યુવક વેપારી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ વેપારી પરિવાર સાથે દુબઈ ભાગી જવાની તૈયારીમાં હતો એ પહેલા જ ભોગ બનનારા કાપડના વેપારીએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
અંબાજી માર્કેટની લક્ષ્મી ફેશન શોપના માલિક સામે ગુનો
પરવટ પાટિયા, પ્રમુખ અરણિયા ખાતે રહેતા વિક્રમ મીસરીલાલ પરિહાર કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. રિંગ રોડ પરની સાંઈ કૃપા ટેક્સટાઈલ માર્કેટમાં વીર વિક્રાંત ટેક્સટાઇલના નામે દુકાન ધરાવે છે. વિક્રમ પાસેથી તા. 23-3-2018થી તા. 1-9-18 સુધીના પાંચ મહિના અને આઠ દિવસમાં રિંગ રોડ પરની અંબાજી માર્કેટમાં લક્ષ્મીઆઈ ફેશન અને શિવકૃપા માર્કેટમાં સિન્ની બાવેજા ફર્મથી ધંધો કરતા ઉદિત સંજય બાવેજાએ રૂપિયા 1,11,21,140નો ડાઈડ ફેબ્રિક્સ કાપડનો માલ ઉધારમાં ખરીદ્યો હતો. ઉદિતે માલ બજારમાં વેચાણ કરી તેનું પેમેન્ટ પણ મેળવી લીધું હતું.
બીજી બાજુ બન્યું એવું કે પરિહારને નક્કી કરેલી કન્ડિશનમાં પેમેન્ટ નહીં ચૂકવી નાણાં પોતાના અંગત કામમાં વાપરી નાંખી ઠગાઈ કરી હતી. એક તો નોટબંધી અને જીએસટી પછી કાપડનો વેપાર મરણપથારીએ પડ્યો છે. તેવા સંજોગોમાં આ રીતે રૂપિયા 1.11 કરોડની છેતરપિંડી થતાં કાપડના વેપારીની હાલત તો દુકાળમાં અધિકમાસ જેવી થઈ છે.
પરિણામે નાણાંકીય મુશ્કેલી વેઠવાનો કપરો કાળ આવ્યો છે.ફરિયાદી કાપડના વેપારી વિક્રમભાઈનો આ બાબતે સંપર્ક કરતા તેમણે કહ્યું કે, ઉદિત પંદરેક દિવસમાં પરિવાર સાથે દુબઈ ભાગી જવાની તૈયારીમાં હતો. એ માટે તેણે ટિકિટ પણ બૂક કરાવી લીધી હતી. આ વાતની જાણ થતાં તેને શોધી કાઢ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.તેમણે કહ્યું કે છેલ્લાં અઢી વર્ષથી ઉદિત તેમની સાથે કાપડનો વ્યવસાય કરી રહ્યો છે. ચાર-પાંચ વખત નાણાં સમયસર ચૂકવી દઈ ભરોસો ઉત્પન્ન કર્યા બાદ હાથ ઊંચા કરી દીધા હતા. ઉદિતે આપેલા ચેક પણ રિટર્ન થવા લાગ્યા હતા.