Loading alternative title

અમદાવાદ

વિશ્લેષણ/ જસદણ હજી પણ બાવળિયાનો જ ગઢઃ કોંગ્રેસનું સંગઠન ફરી એક વાર કાચું પડ્યું

alternative title
  23-12-2018   40

અમદાવાદ: તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી તેને જોતાં દેશમાં હવે ભાજપ અને ખાસકરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલના વળતા પાણી થઈ રહ્યાના સંકેતો સાંપડ્યા હતા. આ પરિણામો બાદ તુરત ગુજરાતમાં જસદણ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી આવી. આ બેઠક પરંપરાગત રીતે જોઈએ તો કોંગ્રેસનો ગઢ અને કોંગ્રેસ કરતા પણ દિગ્ગજ સ્થાનિક નેતા કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય. આમ તો કોઈ પણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હોય તે એક ઔપચારિક પ્રસંગ બની રહેતો હોય છે, પરંતુ આ વખતને જસદણની ચૂંટણીમાં જે ટેમ્પો જામ્યો હતો તેના ઘણા કારણો હતા. તેમાં સૌથી મોટું પરિબળ હતું ત્રણ રાજ્યોમાં ભાજપની સત્તા ગઈ તે પછી ગુજરાતના મતદારો કેવો ટ્રેન્ડ દર્શાવે છે તે બાબત. ગુજરાત એ ભાજપનું હોમગ્રાઉન્ડ અને પોલિટિકલ લેબોરેટરી ગણાય છે. કુંવરજી બાવળિયા વર્ષોથી કોંગ્રેસની બેઠક પર કોળી મતદારોનું વર્ચસ્વ ધરાવતા જસદણમાં જીત મેળવતા રહ્યા અને હવે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ કેબિનેટ મંત્રી બન્યા બાદ પણ આ વિસ્તારમાં પોતાનો દબદબો જાળવી રાખે છે કેમ તે બાબત પર પણ સૌની નજર હતી. આ ચૂંટણીમાં રખેને કુંવરજી બાવળિયા હારે તો તેમની સાથે ભાજપનું પણ નાક કપાય અને હવે તો ગુજરાતમાં પણ ભાજપની લોકપ્રિયતા ઘટી રહી છે તે દલીલ કરવા માટે સૌથી નક્કર કારણ મળી રહે. પરંતુ આજે ચૂંટણીના પરિણામના રુઝાન સવારથી રાઉન્ડ-બાય-રાઉન્ડ આવતા ગયા તેમ-તેમ બાવળિયાની સરસાઈ વધતી ગઈ અને અંતે તેઓ કોંગ્રેસના હરિફ ઉમેદવાર અને એકસમયના પોતાના અંગત અને વિશ્વાસુ ગણાતા અવસર નાકિયા સામે 19,985 મતના અંતરે વિજયી બન્યા. ભાજપની જીત અને કોંગ્રેસની હાર પાછળના કેટલાક રસપ્રદ કારણોની હવે છણાવટ કરીએ.

 

1. જસદણની જીત કુંવરજી બાવળિયાની કે ભાજપની?

જસદણની પેટાચૂંટણીની વાત કરીએ તો તેનું પરિણામ ટેકનિકલી ભાજપની તરફેણમાં રહ્યું તેમ કહી શકાય. આ જીત સાથે ભાજપે વિધાનસભામાં સેન્ચુરી પણ પૂરી કરી છે. પરંતુ અંદરખાને સહુકોઈ જાણે છે કે, આ જીત ભાજપ કરતા કુંવરજી બાવળિયાની વધુ કહી શકાય. બાવળિયા 1995માં પહેલીવાર જસદણ બેઠક પર વિજેતા બન્યા હતા અને તે વખતે તેમણે ભાજપના અરજણ રામાણી સામે 21,604 મતના વિક્રમી અંતરે જીત મેળવી હતી. ત્યારથી બાવળિયાનો જસદણ બેઠક પર દબદબો રહ્યો છે. ત્યારબાદ 1998, 2002 અને 2007માં પણ કુંવરજી બાવળિયા જ જસદણ વિધાનસભા બેઠક પર વિજેતા રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી બાવળિયા જીત્યા એટલે તેમણે જસદણ બેઠક પરથી રાજીનામું આપ્યું અને ત્યારપછીની પેટાચૂંટણીમાં ભાજપના ભરત બોઘરા જીત્યા હતા. જસદણ બેઠક પરના ત્યારસુધીના ઇતિહાસમાં ભાજપની આ પહેલી જીત હતી અને તે પણ બાવળિયા ચૂંટણી નહોતા લડ્યા તે પરિબળને કારણે. જ્યારે 2017માં ફરી બાવળિયા જસદણ બેઠક પર વિજેતા રહ્યા હતા. આમ, જસદણ વિધાનસભા બેઠક અને કુંવરજી બાવળિયા 1995થી એકબીજાના પર્યાય બની રહ્યા છે તે કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી.

 

2. કોંગ્રેસનું સંગઠન અને વ્યૂહરચના ફરી નબળા પડ્યા

ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની ત્યારબાદ ગુજરાત કોંગ્રેસમાં અને તેના સંગઠનમાં નવા પ્રાણ ફૂંકાશે અને તેની સીધી અસર જસદણ પેટાચૂંટણીમાં જોવા મળશે તેવી અપેક્ષા હતી. પરંતુ તે બાબત ગ્રાઉન્ડ રિયાલિટી બની શકી નહીં. રાજસ્થાન અને છત્તીસગઢ ઉપરાંત મધ્યપ્રદેશમાં જે રીતે કોંગ્રેસે સંગઠિત થઈને કામગીરી કરી અને સત્તા હાંસલ કરી તે પ્રકારના યુનિટી ફેક્ટરનો જસદણમાં અભાવ જોવા મળ્યો તેમ કહી શકાય. બીજીતરફ ભાજપની સૌથી મોટી તાકાત તેનું સંગઠન છે. ગત ચૂંટણીમાં જે ભરત બોઘરા કુંવરજી બાવળિયા સામે લડ્યા હતા તેમના હાથમાં જ આ વખતે બાવળિયાને જીતાડવાની જવાબદારી હતી જે તેમણે બખૂબી નિભાવી પણ ખરી. આ બાબત ભાજપના સંગઠનની ખરી તાકાત અને વ્યૂહરચનાને અમલી બનાવવાની ક્ષમતાને દર્શાવે છે.

 

3. ખેડૂતોને બાકી વીજબિલ માફી, રાજકોટને એઈમ્સની ચોકલેટ કામ કરી ગઈ

કોઈ બીજાએ મારેલા માસ્ટર સ્ટ્રોકને કેવી રીતે હાઈજેક કરીને પોતાની તરફેણમાં તેને કરવો તે વાતમાં ભાજપની માસ્ટરી ફરી એક વાર પૂરવાર થઈ છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલાં શિવરાજસિંહનું પલ્લું ભારે મનાતું હતું, પરંતુ કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે તેને સત્તા પર પહોંચાડવામાં નિર્ણાયક પરિબળ રહ્યું હતું. કમલનાથે મુખ્યમંત્રી બન્યા બાદ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી. આ મુદ્દાને કોંગ્રેસ જસદણમાં કેશ-ઈન કરે તે પહેલાં તો ભાજપે આ મુદ્દાને હાઈજેક કરી લીધો. વિજય રૂપાણી સરકારે મતદાનના આગલા દિવસે જ ગુજરાતના ખેડૂતોના બાકી વીજબિલ માફીની જાહેરાત કરી હતી. જ્યારે રાજકોટને એઈમ્સની મંજૂરી મળ્યાનું પડીકું વહેતું કર્યું હતું. ભાજપે આચારસંહિતાનો ભંગ ન થાય તે બાબતને પણ ધ્યાને રાખીને સત્તાવાર રીતે એઈમ્સની વાતને સમર્થન નહોતું આપ્યું પણ તેના બધા નેતાઓએ એઈમ્સને આવકાર આપ્યો હતો.


4. પાટીદાર મતદારો ભલે ભાજપની વિરુદ્ધ, પણ કોંગ્રેસની તરફેણમાં ન રહ્યા

જસદણ બેઠક પર કોળી મતદારો બાદ સૌથી વધુ દબદબો પાટીદાર મતદારોનો છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. કોળી મતદારોએ બાવળિયાની તરફેણ કરી પરંતુ સામે અવસર નાકિયા પણ કોળી મતદારોને સારી એવી સંખ્યામાં ખેંચી શક્યા હતા. આવામાં કોંગ્રેસની જીતનો સૌથી વધુ મદાર કેટલા પાટીદારો નાકિયાની તરફેણમાં મતદાન કરે છે તેની ઉપર હતો. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદાર મતદારોને પોતાની તરફેણમાં ખેંચવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પરંતુ કદાચ પાટીદારોએ ફરી એક વાર એ પૂરવાર કરી દીધું છે કે તેઓ ભલે ભાજપની વિરુદ્ધ હોય, પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તેઓ કોંગ્રેસની તરફેણમાં છે. પાટીદાર મતદારો આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાથી અળગા રહ્યા તે બાબત ફરી ઉડીને આંખે વળગી છે.

 •  પેટાચૂંટણી/ જસદણની જીતનો 'કમલમ'માં વિજયોત્સવ, કુંવરજીભાઇની જીત એ ભાજપનો વિજયઃ મુખ્યમંત્રી અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title