સુરત
સુરતમાં 3ના ભોગ બાદ હવે સ્પોટ વિઝિટ થશે, સિંચાઇ પાસે 1 વર્ષથી પડી હતી તાપીપૂરાણની ફરિયાદ
1.jpeg)
08-01-2019 45
-
સુરત: મોટા વરાછા રિવર વ્યુ હાઇટ નજીકના માર્ગથી પસાર થતી કાર નદીમાં ખાબકતા થયેલાં ત્રણ મોત બાદ તાપી પુરાણના વિવાદનો મધપુડો ફરી છેડાયો છે. આ મામલે સિંચાઇ વિભાગના અધિકારીએ પોતે સ્વીકાર્યું હતું કે આ પુરાણની ફરિયાદ હતી. જેમાં સ્થળ તપાસ કરાશે. મોટા વરાછાથી તાપી તટ થઈ અબ્રામા જતા આ માર્ગ ઉપરના રિવર વ્યુ હાઇટ નજીકના કાંઠા ઉપર બિલ્ડર દ્વારા નદી પટમાં માટી પુરાણ કરાયું હોવાના આરોપ જે તે સમયે થયા હતાં. આ મામલે વિવિધ તબક્કે ફરિયાદ બાદ પણ પુરાણ થયું અને પાલિકાએ નજીકમાં પાકો રોડ પણ બનાવ્યો હોવાની રાવ સાથે નદી કિનારેની ઢલાન અને ખાડાની આડશ માટે પ્રોટેક્શન વોલ માટે કેમ સક્રિયતા ન દાખવી તે પાછળ વિવિધ કારણો જવાબદાર હોવાનું મનાય રહ્યું છે.
-
કાર નદીમાં ખાબકવા પર ઊભા થયા સવાલો, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
-
અગાઉ મુદ્દો ઉઠાવ્યો હતો
1.નદી કિનારે બિલ્ડર દ્વારા જુના રસ્તાની બાજુમાં પુરાણ કરાયું છે. સામાન્ય સભામાં પણ મુદ્દો ઉપાડી પગલાં ભરવા રજૂઆત કરી હતી. પણ કોઇ કાર્યવાહી થઇ નહીં હવે 3 મોતની ઘટના સામે આવી છે. - દિનેશ કાછડીયા, કોર્પોરેટર
-
પુરાણની ફરિયાદ હતી
2.મોટા વરાછાની રિવર વ્યુ હાઇટ નજીક પુરાણની ફરિયાદ હતી, પુરાણ પણ હશે જ. સ્થળ મુલાકાત લઇ ચકાસણી કરાશે. પ્રોટેક્શન વોલની દરખાસ્ત મુકી છે મંજુરી મળતાં કામ શરૂ થશે. - શૈલેષ ગામીત, કાર્યપાલક ઇજનેર, સિંચાઇ વિભાગ
-
પૂર્વ ધારાસભ્યના ઘર સામે જ પ્રોટેક્શન વોલ ન બની
3. ત્રણ મોત માટે જવાબદાર પ્રોટેક્શન વોલ વગરના માર્ગ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટના સ્થળ સામે જ પૂર્વ ધારાસભ્યનું મકાન છે અને હાલ સુધી અહીં પ્રોટેક્શન વોલ ન બની તે ગંભીર ગણાય રહ્યા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી.
-
અકસ્માત પર અટકળો
4.પોલીસે પણ આ ઘટનામાં કઇક અજુગતું બન્યું હોવાની ધારણા રજૂ કરી હતી. અટકળો મુજબ બ્રેક ફેઇલ થઇ હોય અથવા તો સ્ટેયરિંગ લોક થયું હોયω, સીધા માર્ગ પર ટર્ન કેવી રીતે લાગ્યુંω અને કાર નદીમાં કેવી રીતે ખાબકી ? સવાલો ઉભા કરાયા છે. પોલીસે નજીકના સીસીટીવીની પણ તપાસ શરૂ કરી છે.
-
ઘરથી 600 મીટરે ઘટના
5.મોટા વરાછાના હરેકૃષ્ણ રો હાઉસમાં રહેતાં કેમિકલ ફેકટરી માલિક રાજેશ મકાણીના ઘરથી અકસ્માત સ્થળ માત્ર 600 મીટરે છે. એટલે આ માર્ગ તેમનો રોજીંદો રૂટ હોવાથી તે માર્ગથી ખુબ સારી રીતે પરિચિત હતાં. કાર ઝડપમાં હોવાનું અને ટર્ન ભૂલી ગયા હોવાની વાત ગળે ઉતરતી ન હતી.